કાંકરિયા કોના બાપનું? ? ?


મિત્રો હાલમાં તમે ગુજરાતના અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવની થયેલી ઝાહોજહાલી જોઈ હશે કે સમાચાર પત્રોમાં વાંચી હશે. તમને આ બધું ઉપરથી તો ખુબ જ મજાનું અને અમદાવાદનો વિકાસ થઈ રહ્યો હોય તેવું લાગતું હશે. અમદાવાદનો વિકાસ કરવો એ સરકારે અમદાવાદ કે ગુજરાતની પ્રજા પર ઉપકાર નથી કર્યો, એ તો એમની ફરજ છે. અને તેની પાછળ ખર્ચાયેલ નાણા પણ ગુજરાતની પ્રજાના તો છે.


મુદ્દાની વાત એ છે કે ગુજરાત સરકારે કાંકરિયા તળાવની ફરતે સરસ રસ્તાઓ બનાવી દીધા, ફૂટપાથ નવી નકોર કરી દીધી, બાળકો માટે નાની ટ્રેન બનાવડાવી દીધી, બીજી ઘણી નાની નાની સુવિધાઓ કાંકરિયાની અંદર ગોઠવી દેવામાં આવી, અને ગુજરાત સરકારે ધમધોકાળ આતિશબાજી કરીને 'કાંકરિયા કાર્નિવલ'નું ઉદઘાટન કરવામાં આવ્યું...


પણ આ ઝાહોજહાલીમાં લોકો એ તો ભૂલી જ ગયા કે કાંકરિયામાં સુખ સુવિધાઓની સાથે સાથે તેની ફરતે ઉંચી દિવાલ પણ ઉભી કરી દેવામાં આવી છે. એટલે કાંકરિયામાં પ્રવેશ કરવા માટે તમારે રૂપિયા દસની ટિકિટ લેવી પડશે. એટલે લૉ-ગાર્ડનમાં બેસવા માટે દસ રૂપિયા ખર્ચવા નથી પડતા. વસ્ત્રાપુર તળાવની ફરતે ફરવા માટે ટિકિટ લેવી નથી પડતી. પણ તેની જેમ જ સાર્વજનિક રમળિય સ્થળ એવા કાંકરિયા તળાવમાં ફરવા જવા માટે દસ રૂપિયાની ટિકિટ લેવી ફરજિયાત કરી ગુજરાત સરકાર કોના વિકાસની રાહ ચિંધી રહ્યુ છે?કાંકરિયા તળાવના વિકાસની? અમદાવાદના વિકાસની? કાંકરિયાની ફરતે ફુગ્ગા,ચણા, શરબત,ધાણી વેચી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા ફેરિયાઓના વિકાસની? કે પછી સરકારના વિકાસની? સરકારી તિજોરીના વિકાસની?


હાલમાં અમદાવાદને સંલગ્ન સ્વૈચ્છિક સંસ્થાઓ અને દિગ્ગજ સમાજસેવકોએ આની સામે બંડ પોકાર્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી આની સામે વિરોધ પ્રદર્શનો ચાલુ થયા છે. ઠેરઠેર સાઈકલ રેલી અને શેરીનાટકોનું આયોજન થઈ રહ્યુ છે. અને આ કાંકરિયા કાર્નિવલ ટિકિટપ્રથાને નાબૂદ કરવાની ઝૂંબેશ ચાલી રહી છે.


ગાંધીજીએ કરેલા સવિનય મીઠા ભંગની જેમ આ 25 એપ્રિલના રોજ હજારો માણસો સાથે કાંકરિયાની અંદર સવિનય ટિકિટ લીધા વગર ઘૂસી જઈ આંદોલન કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જોકે દેશમાં ચાલી રહેલ લોકસભા ચૂંટણીના કારણે આચારસંહિતાના પગલે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ આ આન્દોલન થઈને રહેશે. આપનું આ અંગે શું મંતવ્ય છે જરૂર જણાવો...

Comments