ડરપોકોના રાજમાં મુંબઈના માથે મંડરાતું મોત



મુંબઈમાં થયેલા 26/11ના ઘાતકી અને ક્રૂર આતંકવાદી હુમલાની આજે વરસી પૂરી થઈ છે. મુંબઈમાં ઘટેલ આ ગોઝારા દિવસને યાદ કરીએ તો આજે જરૂર આંખોમાં પાણી આવી જાય. આ ઘટમાં હોમાયેલા 164 નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પવી રહી.

ભૂતકાળમાં આવી લોહિયાળ આતંકી ઘટના દેશમાં ઘટી ગયા હોવા છતાં, મુંબઈ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને 14 સ્થળોને ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. ક્રાઈમ બ્રાંચ અને એટીએસને મળેલ આ પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે 28 નવેમ્બરના રોજ મુંબઈના ખાસ 14 સ્થળોને ફૂંકી મારવામાં આવશે. આ સ્થળોમાં મંત્રાલય, વિધાનભવન, રાજભવન, મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન, સીએસટી, ચર્ચગેટ, દાદર, નરીમાન પોઈન્ટ, તાજ, ઓબેરોય, સેન્ટોર, ચોપાટી સહિત ૧૪ સ્થળનો ઉલ્લેખ કરાયો છે.

26/11નો આતંકવાદી હુમલો એ દેશના સૌથી લોહીયાળ અને ઘાતકી હુમલાના ઇતિહાસમાં મોખરે છે. તેમ છતાં દેશના નેતાઓએ કયા એવા પગલા ભર્યા જેનાથી દેશવાસીઓને એવો અહેસાસ થાય કે તેમનો નેતા તેમને સુરક્ષા આપવા માટે સક્ષમ છે.

હજી થોડા સમય પહેલા જ ભારતીય લશ્કરના વડા દીપક કપૂરે એવી ટિપ્પણી કરી હતી કે દેશ પર હજી 26/11 જેવા આતંકવાદી હુમલા થાય તેવી ભીતિ છે, છતા દેશના સુરક્ષા તંત્રની લાલીયાવાડી આ ધમકીભર્યા પત્ર દ્વારા સાબિત થઈ આવે છે. જો આતંકવાદના ઓછાયાની એંધાણી હતી તો શા માટે કોઈ પગલા ન ભરાયા, કોણ કહેશે ? કે સરકાર બીજા 26/11ની રાહ જોઈ રહી છે ?

પોતાની જાતને લોકોના રક્ષક માનતા અને મુંબઈગરાઓની રક્ષા માટેના બંડ પોકારનાર કહેવાતા શીવસૈનિકો અને મનસે(મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) આતંકવાદીઓની ગતિવિધિઓ સામે વાનરસેના બનીને ઉભી રહે છે. જેની સાબિતી 26/11ના હુમલામાં મળી ગઈ. આવી વાનરસેનાઓ મીડિયાગ્રૂપ તેમજ યુપી બિહારના ભાઈઓ પર હુમલાઓ કરીને પોતાની બહાદૂરી બતાવવાનો આડમ્બર કરે રાખે. પણ ભડાકો થયો નથી અને ઝાડ પર ઠેકડો માર્યો નથી. અને આ લોકોનું પાછું કોઈ નક્કી નહી, આજે આ ઝાડ પર તો કાલે પેલા !!

દેશવાસીયોએ પોતાની સુરક્ષા માટે પોતે જાગ્રત રહેવું પડશે. કારણ કે ભારતીય તંત્રમાં ઉપરથી લઈને નીચે સુધી દરેક પોતાનો રોટલો શેકવાવાળા ભર્યા છે.